બ્રહ્મરૂપ થઈ એકાંતિક ભાવે શ્રીહરિની આરાધના ભક્તિ કરવાના ઉમદા હેતુથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બ્રહ્મસત્રની શરૂઆત કરી. ત્યારે તેઓના શુભ આશીર્વાદ સાથે, બ્રહ્મનિષ્ઠ સંતોના સાંનિધ્યમાં, એકાંતિક ભક્તોની ઉપસ્થિતિમાં 6 દિવસ “હું બનીશ આજ્ઞાપાલક સેવક’ એ મધ્યવર્તી વિચાર સાથે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં તારીખ 14થી 19 ઓગસ્ટ દરમિયાન 63મા બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો સંપ્રદાયના વિવિધ સદગ્રંથોના સહારે સત્સંગ કથાવાર્તા દ્વારા અધ્યાત્મજીવનનું પોષણ કરશે.
આ કાર્યક્રમમાં 15 ઓગસ્ટે બપોરે 1થી 3.30 મહિલામંચ, સાંખ્ય યોગી બહેનોના સાંનિધ્યમાં યોજાનાર છે અને 17 ઓગસ્ટે બપોરે 1થી 3.30 સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત બ્રહ્મસત્ર દરમિયાન દરરોજ સવારે 6.30થી 7 ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન થશે. સવારે 7.15થી 8 દરમિયાન શ્રીહરિના આજ્ઞાપાલક ભક્તોનાં જીવનકવન તથા સવારે 9થી 10.15 સુધી શાસ્ત્રી મંગલસ્વરુપદાસજી સ્વામી અને શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામીના વક્તાપદે શિક્ષાપત્રી ભાષ્યકથાનો લાભ મળશે.
વચનામૃત કથા વિવેચન મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી અને ધર્મવલ્લભદાસજી સ્વામી દ્વારા થશે.જયારે બપોર પછી 5.30થી 6.30 સુધી કૃષ્ણપ્રિય સ્વામી, આદર્શ સંતજીવન કવનનો લાભ આપશે. બ્રહ્મસત્ર દરમિયાન સામૂહિક અનુસ્થાન, શાસ્ત્રીજી મહારાજની અમૃતવાણી અને આધ્યાત્મિક શિક્ષાપત્રી વ્યાખ્યાન માળા પવિત્ર વિદ્વાન વડીલ સંતોના મુખે રસપાન કરવા મળશે.