વૃદ્ધાના ગળામાંથી 1.60 લાખના સોનાના ચેઈનની ચીલઝડપ

શહેરના રૈયાધાર વિસ્તારમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધા નાણાવટી ચોક પાસે ઘડિયાળ રિપેરિંગ કરાવી ઘરે ચાલીને પરત જઈ રહ્યા હતા ત્યારે બાઇક લઇ ધસી આવેલા અજાણ્યા શખ્સે ગાળામાંથી સોનાનો ચેઈન આંચકી લીધો હતો. બનાવ અંગે વૃદ્ધાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર પાસે સોપાન હિલ પાછળ વ્રજધામ એપાર્ટમેન્ટ સી-103માં રહેતા મધુબેન અનિલભાઇ દૂધરેજિયા(ઉ.વ.65)નામના વૃદ્ધા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.10ના રોજ સાંજના પાંચેક વાગ્યે તેણી નાણાવટી ચોક પાસે ઘડિયાળ રિપેરિંગ કરાવી ઘરે જતી હતી ત્યારે નાણાવટી ચોકથી રામાપીર ચોકડી વચ્ચે આવેલા શિવશક્તિ ટુલ્સ પાસે પહોંચતા એકાએક બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેના ગળામાં ઝોંટ મારી વૃદ્ધાએ પહેરેલા સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.

એકાએક શખ્સે ઝોંટ મારતા વૃદ્ધા રોડ પર પટકાઈ ગયા હતા. બનાવની તેણે ઘરે જઈને પોતાના પુત્રને જાણ કરી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણ્યો શખ્સ રૂ.1.60 લાખની કિંમતનો સોનાનો ચેઇન આંચકી ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *