રાજકોટ શહેરના રતનપરમાં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં યુવાને બેડી યાર્ડ પાસે ઇંડાંની લારી નજીક ફાકી ખાઇ તેનું પ્લાસ્ટિક લારી પાસે ફેંકતા ઇંડાંની લારીવાળાએ “કચરાને અહીં નહીં કચરા ટોપલીમાં ફેંકો’ તેમ કહેતાં, યુવાને લારી પાસે ઊભેલા બંને શખ્સને આ રેંકડીવાળા ક્યાં રહે છે? તેમ પૂછ્યું હતું. એવામાં બંને શખ્સે તારે શું કામ છે? કહી તપેલી, ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં તેમજ એક મહિલાએ પણ ઢીકાપાટુનો માર મારતાં યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ રતનપર ગામમાં રાજ કોમ્પ્લેક્સ પાછળ લવજીભાઇ પ્રેમજીભાઈ કડેયાના મકાનમાં ભાડેથી રહેતાં અને બેડી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતાં સુરજ ભૂપતભાઇ ડાભી(ઉ.વ.30) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કરણ કોળી, રવિ કોળી અને એક અજાણી મહિલાનું નામ આપ્યું હતું.
યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાત્રિના દશેક વાગ્યાના અરસામાં બેડી માર્કેટિંગ યાર્ડ નજીક ઈંડાંની લારી પાસે ઊભો હતો. દરમિયાન પોતાના હાથમાં રહેલ ફાકીનો કાગળ નીચે ફેંકતા નજીકમાં ઊભેલા ઇંડાંની રેંકડીવાળાએ “કચરો અહીં નહીં ફેંકવો, કચરો ટોપલીમાં નાખો’ તેવું કહેતા ત્યાં બાજુમાં ઊભેલા રવિ અને કરણને આ રેંકડીવાળા ભાઈ ક્યાં રહે છે તેવું પૂછ્યું હતું. જેથી કરણે માથામાં તપેલી મારી ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો અને તેની બાજુમાં ઊભેલા રવિએ પણ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી જામનગર રહેતા દીપકભાઈ સુમતિયાને મોબાઈલ કરી પોતાને માર માર્યાનું જણાવતા ઉશ્કેરાયેલા આ બંને શખ્સ ઉપરાંત રિક્ષામાં આવેલી એક અજાણી મહિલાએ ઢીકાપાટુ તેમજ લાકડાંના ધોકાથી હુમલો કરતાં હાથપગ અને શરીરે ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. બનાવની હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી પૂછપરછ કરી હતી. યુવકની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.