લોકમેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરમાંથી લોકો મેળામાં આવે છે ત્યારે પાર્કિંગમાં રાખેલા વાહનોના ચોરીના બનાવો પણ બનતા હોય છે. વાહનોની ચોરીના બનાવો અટકાવવા માટે આ વખતે 17 જેટલા પાર્કિંગ પોઈન્ટ પર કલર કોડવાળી સ્લિપ આપવામાં આવશે.
તેમજ મેળાના નામકરણ માટે 3 હજારથી વધુ એન્ટ્રી આવી છે. જેમાંથી 125 એન્ટ્રી અલગ તારવાઈ છે. આ 125માંથી એક નામની પસંદગી ઉતારાશે અને મેળાનું નામ જાહેર કરવામાં આવશે. સિંદૂર, ગોરસ, વિજય ઉત્સવ સહિતના નામો આવ્યા છે.
મેળામાં ખાલી પ્લોટનું કોઈ લેવાલ નહિ હોવાને કારણે 143 પ્લોટ- સ્ટોલની ફરી વખત હરાજી કરવામાં આવી હતી.જેમાં અપસેટપ્રાઈઝ મુજબ જ સ્ટોલની વહેંચણી કરવામાં આવશે. આ ઉપરાંત સિક્યુરિટી માટે વધુ ભાવ આવતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા લોકમેળાના નામ માટે અરજી મગાવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. જે એન્ટ્રી આવી છે. તેમાંથી એક નામ પસંદ કરીને ટૂંક સમયમાં લોકમેળાનું નામ જાહેર કરી દેવામાં આવશે.મેળાના વધેલા સ્ટોલ માટે બુધવારે સાંજે 40થી વધુ ફોર્મની અરજી આવી હતી.
મેળામાં આવન-જાવન માટે વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બહુમાળી ભવન, શારદાબાગ સહિતના સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે 17 જેટલા સ્થળ પર વાહન પાર્કિંગના પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સિક્યુરિટી માટે વધુ ભાવનું ટેન્ડર આવતા રિ-ટેન્ડર કરાયું છે અને 11 ઓગસ્ટના રોજ ખોલવામાં આવશે.
લોકમેળામાં આકર્ષક સ્ટેજ ઉપરાંત પોલીસ, વહીવટી તંત્ર, વીજતંત્ર માટે કંટ્રોલરૂમ અને ડોમ ખાસ ઊભા કરાયા છે.તેમજ અત્યારે રાઈડ્સ ઊભી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લોકમેળામાં સામાજિક સંસ્થાના અને ગ્રાહકલક્ષી, ચક્ષુદાન, દેહદાન, નેત્રદાન માટે જાગૃતિ ફેલાવતા સ્ટોલ પણ જોવા મળશે.