150 ફૂટ રિંગ રોડ પર મહાપૂજાધામ ચોક પાસે બીઆરટીએસ બસની ટિકિટ લેવાનું કહેતા મુસાફરે ઉશ્કેરાઇને પથ્થરનો ઘા ઝીંકી બસ સ્ટોપનો કાચ ફોડી નાખ્યો હતો. બાર દિવસ પહેલાં બનેલી ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
શહેરના જૂના એરપોર્ટ પાછળના મોચીનગરમાં રહેતા અને રાજ સિક્યુરિટી સર્વિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં જયેશ ઠાકરશીભાઇ રાજપરા (ઉ.વ.23)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું.
જયેશ રાજપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.25 જુલાઇના સાંજે છ વાગ્યે પોતે મહાપૂજાધામ ચોક પાસે બીઆરટીએસના સ્ટોપ પર નોકરી પર હતા ત્યારે બીઆરટીએસ બસ આવી હતી અને તેમાંથી એક મુસાફર ઉતર્યો હતો અને તેની પાસેથી ટિકિટ માગી હતી, તે મુસાફરે આપેલી ટિકિટ નાનામવા બસ સ્ટોપ સુધીની જ હતી અને આ મુસાફરે મહાપૂજાધામ ચોક સુધી મુસાફરી કરી હતી આથી સિક્યુરિટી ગાર્ડ જયેશ રાજપરાએ તેને બીજી ટિકિટ લેવાનું કહ્યું હતું.
મુસાફરે પૈસા નહીં હોવાનું કહી ટિકિટ લેવાની ના કહી દીધી હતી અને કમ્પ્યૂટર ઓપરેટર ભગીરથસિંહ ચુડાસમા સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો અને થોડીવાર બાદ તે મુસાફર બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી ગયો હતો અને રસ્તા પર પડેલો પથ્થર ઉઠાવી પથ્થરનો ઘા કરી બસ સ્ટોપનો કાચ ફોડી નાખી રૂ.10460નું નુકસાન કર્યું હતું.