રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચકડોળગોઠવાઈ રહ્યા છે તો પોલીસ અને વહીવટી તંત્ર સહિતના કંટ્રોલરૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. હાલ વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવશે.
આ વચ્ચે પ્રથમ વખત મેળામાં 234 માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે સ્થિત પ્રાંત અધિકારી દ્વારા ઓપન હરાજી રાખવામાં આવી છે. જેમાં અપસેટ પ્રાઈસ મુજબ વહેલા તે પહેલાના ધોરણે વેપારીઓ સ્ટોલ અને પ્લોટની ખરીદી કરી શકશે. જે બાદ પણ સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓને પણ સ્ટોલની ફાળવણી થશે.