રાજકોટના જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે ઘંટેશ્વરના તત્કાલીન રેવન્યુ તલાટી મંત્રી નિલેશ વાઘેલાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે. નિલેશ વાઘેલા પર એવો આરોપ છે કે તેણે ઘંટેશ્વર ગામની રાવળા હક્કની જમીન કબજા હક્કમાં ફેરવવા માટે મામલતદારના બનાવટી હુકમો, દાખલ સર્ટિફિકેટની નકલો અને મહેસૂલ ભર્યાની પહોંચની પૂરતી ચકાસણી કર્યા વગર જમીનના ગામ નમૂના નંબર 2માં નોંધ દાખલ કરી હતી. આ અંગે તપાસ કરતા મામલતદાર દ્વારા આ પ્રકારના કોઈ હુકમો કરવામાં આવ્યા ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી મામલતદાર, રાજકોટ તાલુકા દ્વારા આ નોંધો રદ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં નિલેશ વાઘેલાએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હોવાનું જણાતા જિલ્લા કલેકટરે તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો આદેશ આપ્યો છે.
અન્ય સમાચાર રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ અને આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટ શહેર-2ના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામેથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું. મામલતદાર કોટડાસાંગાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, સર્કલ ઓફિસર અને અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન, કુલ 11 વ્યક્તિઓ દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું. દબાણકર્તાઓને કલમ-61 હેઠળ કેસ ચલાવીને અને કલમ-202 હેઠળ નોટિસ આપવામાં આવી હોવા છતાં, દબાણ દૂર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આશરે 3,960 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે 2.43 કરોડ છે.