રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી 90 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટની ઇમારત જર્જરિત અને જોખમી બની જતાં આ માર્કેટ ખાલી કરવા કમિશનર તુષાર સુમેરાના આદેશના પગલે એસ્ટેટ શાખાએ વેપારીઓને 31 જુલાઇ સુધીમાં થડા ખાલી કરવા નોટિસ ફટકારી હતી. આમ છતાં લાખાજીરાજ શાકમાર્કેટના અનેક વેપારીઓએ નોટિસ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મહાનગરપાલિકાએ નોટિસ તેમના થડા અને દુકાન પર ચોંટાડી દઇ 31મી સુધીમાં થડા અને દુકાનો ખાલી નહીં કરાય તો સીલ મારી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે. આ અંગે કમિશનર સુમેરાને પણ એસ્ટેટ શાખાએ રિપોર્ટ કરી દીધો છે.
રાજકોટના લાખાજીરાજ શાકમાર્કેટમાં અંદરના ભાગે 49 અને બહારના ભાગે 26 મળી કુલ 75 થડા આવેલા છે તેમજ 17 વખાર અને ચાર દુકાન પણ આવેલી છે. આ તમામ થડાધારકોને મહાનગરપાલિકાએ જ્યુબિલી શાકમાર્કેટમાં થડા આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ મહાનગરપાલિકાની નોટિસનો 20 જેટલા વેપારીઓએ સ્વીકાર ન કરતા વિવાદના મંડાણ થયા છે. જ્યારે 14 જેટલા દુકાનદારોએ નોટિસનો સ્વીકાર કર્યો છે અને 60 જેટલા થડા, દુકાનો અને વખાર બંધ હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે, મનપાએ સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે રિપોર્ટ કરાવતા શાકમાર્કેટ કુદરતી આપદાનો સામનો કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો