સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી પ્રલંબિત અને NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા ભલામણ કરાયેલ ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો 5 વર્ષ બાદ આખરે અમલ થયો છે. NAACની ટીમ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા માટે વર્ષ 2019માં આવી હતી અને બાદમાં નેકનો રિપોર્ટ આવ્યો તેમાં સ્પષ્ટપણે ભવનોમાં હેડશિપ રોટેશન પદ્ધતિ અમલ કરવા સૂચન કર્યું હતું. આ સૂચનનો અમલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ્યારે ગ્રેડની સમયમર્યાદા ફેબ્રુઆરી-2026માં પૂરી થવાની છે તેના 6 મહિના પહેલાં કર્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ જે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમાં એવા પ્રોફેસરોને લેવામાં આવ્યા હતા જે કોઈ ભવનના વડા ન હોય. હવે જ્યારે યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશનનો અમલ કરાયો છે ત્યારે જે પ્રોફેસર હેડ બન્યા છે તેમને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બંધ પાડવા પડી શકે છે. જેમ કે ડૉ. કુંભારાણા અને ડૉ.ગોસાઈ હાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય છે. હવે જો કોઈ ભવનના હેડને BOMમાં ન લઇ શકાતા હોય તો આ બંને પ્રોફેસરની જગ્યાએ અન્ય પ્રોફેસર જે હેડ ન હોય તેમને સ્થાન આપવું પડે ને બીઓએમ પણ બદલાય શકે છે.
વર્ષો બાદ હવે યુનિવર્સિટીને જાણે ‘આત્મજ્ઞાન’ થયું હોય તેમ જુદા જુદા 5 મુખ્ય ભવનોમાં અધ્યક્ષ બદલીને આ નીતિનો પ્રારંભ કર્યો છે. આ ફેરફાર અંતર્ગત હિન્દી ભવન, મનોવિજ્ઞાન, હોમ સાયન્સ, એમબીએ અને કમ્પ્યૂટર સાયન્સ ભવનમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2023માં યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન મુદ્દે સ્ટેચ્યુટમાં ફેરફાર કર્યા વિના લાગુ કરવામાં આવતા વિવાદ થયો હતો.