જન્માષ્ટમીના તહેવારોમાં સોમનાથ, દ્વારકા સહિતના રૂટ પર એકસ્ટ્રા 50 બસ દોડાવાશે

શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાંથી સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ જેવાં ધાર્મિક સ્થળોએ જવા માટે ST નિગમ 50 એક્સ્ટ્રા બસ દોડાવશે. આ નિર્ણયથી દૈનિક આશરે 2500 મુસાફરોને સીધો ફાયદો થશે.

દર વર્ષે તહેવારોમાં એસ.ટી. નિગમ યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધારાની બસની વ્યવસ્થા કરતું હોય છે, આ વર્ષ પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વધારાની બસોમાં દેવભૂમિ દ્વારકા રૂટ પર 20 બસ, સોમનાથ જવા માટે 15 બસ, અમદાવાદ જવા માટે 10 બસ અને ઘેલા સોમનાથ જવા માટે 5 બસનો સમાવેશ થાય છે.

આ એક્સ્ટ્રા બસ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઊમટી પડતા શ્રદ્ધાળુઓ માટે પરિવહનને વધુ સરળ અને સુલભ બનાવશે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓને મુસાફરીમાં પડતી અગવડતામાં ઘટાડો થશે અને તેઓ સરળતાથી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે.

એસ.ટી નિગમ દ્વારા જે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે તેમાં દેવભૂમિ દ્વારકા જવા 20, સોમનાથ માટે 15, અમદાવાદ જવા 10 અને ઘેલા સોમનાથ જવા માટે રોજ 5 વધારાની બસ મળશે. મુસાફરો www.gsrtc.in પર એડવાન્સ ટિકિટ બુકિંગ કરી શકે છે. આ સાથે જ GSRTCની મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ ટિકિટ બુકિંગ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *