વ્યાજખોરે રૂ.80 હજાર આપી વેપારીની ઓફિસ પચાવી પાડી

શહેરમાં વધુએક વ્યાજખોરે કાયદો હાથમાં લઇ યુવા ધંધાર્થીની ઓફિસ પર કબજો જમાવી દીધો હતો. યુવકે ધંધા માટે રૂ.80 હજાર વ્યાજે લીધા હતા ત્યારબાદ વ્યાજખોરે બે મળતિયા સાથે મળી યુવકને ધમકાવી ઓફિસમાં પોતાનું તાળું મારી દીધું હતું.

કાલાવડ રોડ પરની ન્યૂ કોલેજવાડીમાં રહેતા અને સોજીત્રાનગરમાં ગોલ્ડન સુપર માર્કેટની ઉપર કિકાણી કન્સલ્ટન્સી નામે શેરમાર્કેટનું કામ કરતાં હાર્દિક જિતેન્દ્રભાઇ કિકાણી (ઉ.વ.35)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, મોનિલ હિતેષ પંડ્યા અને અમિત પટેલના નામ આપ્યા હતા.

હાર્દિક કિકાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં રવિરાજસિંહ પાસેથી રૂ.80 હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા, જેના બદલામાં વનરાજસિંહે ત્રણ ચેક અને નવસો ગ્રામ ચાંદીની અલગ અલગ વસ્તુ સિક્યુરિટી પેટે લીધા હતા. હાર્દિકે દર મહિને રૂ.4 હજાર લેખે ચાર મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું.

ત્યારબાદ રવિરાજસિંહ અને તેનો મિત્ર મોનિલ પંડ્યા વર્કિંગ પાર્ટનર બની ગયા હતા અને ઓફિસના કામમાં દખલગીરી કરવા લાગ્યા હતા. ગત તા.18 જુલાઇના રવિરાજસિંહ, મોનિલ અને અમિત પટેલ ઓફિસે ગયા હતા ત્યાં હાર્દિકને છરી બતાવી ધમકી આપી હતી અને નીચે જવાનું કહી ઓફિસ પર પોતાનું તાળું મારી દીધું હતું અને સિક્યુરિટી પેટે રાખેલું ચાંદી પણ હજમ કરી ગયા હતા, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *