રાજકોટ મહાનગરપાલિકામાં બુધવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના તમામ નીતિ નિયમોનો ઉલાળિયો કરી સ્ટેન્ડિંગ કમિટીએ 3 વર્ષ જૂના રૂ.96.56 લાખનો વિવાદાસ્પદ ખર્ચ મંજૂર કરી દીધો હતો.
આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અમારે કોર્પોરેશનનો વહીવટ બીપીએમસી અને જીપીએમસી એક્ટ મુજબ ચલાવવાનો હોય છે રાજ્ય સરકારના નિયમો મુજબ નહીં. જોકે સંકલનની બેઠકમાં જ અડધો ડઝન જેટલી દરખાસ્તો મુદ્દે શાસકો વચ્ચે બઘડાટી બોલી જતા નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને બેઠક પહેલાં વોકઆઉટ કરી ગયા હતા.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 70 દરખાસ્ત કરવામાં આવી હતી જેમાંથી ચાર દરખાસ્તને પેન્ડિંગ રાખી બાકીની 66 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મહાનગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી સામાન્ય રીતે અડધી કલાકમાં પૂરી થઇ જતી સંકલનની બેઠક આજે 1 કલાક ચાલી હતી અને તેમાં વિવિધ દરખાસ્તોને લઇને ઉગ્ર ચર્ચાઓ થઇ હતી જેનો અવાજ લોબી સુધી સંભળાયો હતો. કોર્પોરેટર નેહલ શુક્લએ અડધો ડઝન જેટલી દરખાસ્તોમાં વાંધો ઉઠાવતા ચાર દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
શુક્લએ 3 વર્ષ પૂર્વે યોજાયેલી દર્શન રાવલ મ્યુઝિકલ નાઇટ સહિત વિવિધ કાર્યક્રમોના અંદાજે રૂ.50,78,911ની, 22-10-2022ના રોજ આતશબાજીના રૂ.12,456 અને 2022માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સંગીત સંધ્યા પાછળ કરાયેલા રૂ.45,65,249ના ખર્ચ હવે છેક મંજૂર કરવાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો અને નાણાં ચૂકવાઇ ગયા બાદ છેક 3 વર્ષે દરખાસ્ત કરવા અંગે શંકાઓ વ્યક્ત કરી હતી