રાજકોટ જિલ્લામાં પાલતું પશુઓને ચોમાસામાં થતાં સંભવિત અન્ય રોગ તથા લમ્પી રોગથી બચાવવા માટે છેલ્લા સાત માસમાં 33 હજારથી વધુ પશુને લમ્પી રોગની રસી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. કે.આર. કટારાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 597 ગામમાં 3,35,547 ગૌ પશુધન નોંધાયા છે.એપ્રિલથી 19 જુલાઈ સુધીમાં જિલ્લામાં ત્રણ ગામમાં 47 પશુને લમ્પી રોગની અસર થઈ હતી. હાલની સ્થિતિએ તાલુકા કક્ષાએ લમ્પી સ્કિન ડિસીઝની રસીના 18,050 ડોઝ ઉપલબ્ધ છે. ચોમાસામાં ગળાસુંઢા રોગનું જોખમ વધારે હોય છે.
તેથી પશુઓને આ રોગની રસી ખાસ આપવી જરૂરી બને છે. અત્યારે રસીકરણ ડ્રાઈવમાં 18 ડોક્ટર તેમજ 75 પશુધન નિરીક્ષક કામગિરીમાં રોકાયેલા છે.જે જગ્યાએ પશુઓ વધુ એકઠા થતા હોય કે રહેતા હોય તેવી જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ કરાવવા તાલુકા પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે.