રાજકોટનાં રેલનગર અંડરબ્રિજમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ મનપા કમિશનરને પત્ર લખીને આ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે, રેલનગર અન્ડર બ્રિજ જે તત્કાલીન સમયે કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો હતો. પરંતુ એ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં તણાયો હતો. કારણ કે, આ બ્રિજમાં ચોમાસુ અને ચોમાસા બાદ સતત 24 કલાક પાણી ટપકતું રહેતું હતું. બ્રિજમાં ટપકતા પાણી અંગે અધિકારી પદાધિકારીઓએ સાઇટ વિઝીટ કરી હતી અને ત્યાર બાદ આ ટપકતા પાણી બંધ કરવા માટે અંદાજે 60 થી 70 લાખમાં રીનોવેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એકાદ મહિનો બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
આ બ્રિજ ફરી ખુલ્લો મુકાયો હતો, ત્યારે કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓએ જાહેર કર્યું હતું કે, વોટર પ્રૂફિંગને પગલે હવે રેલનગર અંડરબ્રિજ કોરો રહેશે અને પાણી નહીં પડે પરંતુ હાલ સામાન્ય વરસાદે રેલનગર બ્રિજમાં 24 કલાક પાણી ટપકતું હોવાથી આ માટેનો કરવામાં આવેલો તમામ ખર્ચ પાણીમાં ગયો છે. ત્યારે આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું હોય આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જરૂરી છે.