રાજકોટના પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં વન કવચ નિર્માણ કરાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય. પણ આ જંગલ નથી, આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે અંગત રસ લઈને કામગીરી કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના હરિયાળા વ્યકિતત્વ ધરાવતા 2 સરકારી અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર અંકિત ગોહેલ તથા પૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી.

ચુનીલાલ વર્ષાણી હાલમાં નિવૃત્ત જીવનને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સાથે રોજ ઉજવી રહ્યા છે, તો પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર અંકિત ગોહેલ પર્યાવરણ સંરક્ષણમાં વિશેષ રુચિ ધરાવે છે. પ્રકૃતિ પ્રેમી બંને અધિકારીઓએ હાલમાં રાજકોટ જિલ્લાના પાણી પુરવઠા વિભાગ હસ્તકના અનેક હેડ વર્કસ અને મુખ્ય કચેરી ખાતે બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ તથા ઉછેરની કાળજી સાથે નવા વન કવચોનું નિર્માણ કર્યું છે.

આ અંગે અંકિત ગોહિલે જણાવ્યું હતું કે, વૃક્ષો ઉછેરવાનો મને પહેલેથી શોખ હતો. નોકરીમાં જોડાયા પછી નાની સંખ્યામાં વૃક્ષારોપણ તો હું કરતો જ હતો, પરંતુ અમારા વિભાગના જ પૂર્વ કાર્યપાલક ઈજનેર જોધાણી તથા વનવિભાગના પૂર્વ અધિકારી ચુનીલાલ વર્ષાણીનું મને માર્ગદર્શન અને સહકાર મળ્યો. એચ.ડી.જોધાણી અને ચુનીલાલ વર્ષાણીએ પર્યાવરણ સંરક્ષણ માટે અગાઉ વન કવચ વિસ્તાર માટેની કામગીરી કરી હતી. આ પ્રવૃત્તિ થકી પ્રેરણા મળતા વર્ષાણી, જોધાણી, સદભાવના ટ્રસ્ટ તથા કચેરીના ઉચ્ચ અધિકારીઓના સહકારથી પર્યાવરણ સંરક્ષણ હેતુ અમે જલભવન ખાતે વર્ષ 2021-22માં મિયાવાકી પદ્ધતિથી 3500 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. માત્ર ચાર વર્ષના ઉછેરમાં આ વૃક્ષો આજે જાણે ઘટાટોપ જંગલ હોય તેવો હરિયાળો વિસ્તાર બનાવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *