લોકમેળામાં એસ.ઓ.પી.માં રાહત મળતા આખરે રાઈડ્સ સાથેનો મેળો થાય છે. મોટી રાઇડ્સને મંજૂરી મળતાં જ ફોર્મના ઉપાડની સંખ્યામાં વધારો થયો છે. સોમવારે એક જ દિવસમાં કુલ 20 ફોર્મ ઉપડ્યા હતા. અત્યાર સુધી 190 ફોર્મ ઉપડ્યા છે. 28મીએ ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ મુદત છે. જ્યારે લોકમેળા સમિતિ દ્વારા હવે મંડપ, ડેકોરેશન, સી.સી.ટી.વી. કેમેરા અને વીમો લેવાની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે.
સોમવારે બપોર સુધીમાં જ 175 ફોર્મ ઉપડ્યા હતા. ફોર્મ ભરીને પરત કરવાનો અંતિમ દિવસ 28મી જુલાઈ નક્કી કરાયો છે ત્યારે હજુ વધારે ફોર્મ ઉપડે તેવી આશા તંત્રને સેવાઇ રહી છે. જ્યારે બીજી તરફ લોકમેળા સમિતિ દ્વારા મંડપ, લાઇટ-ડેકોરેશન સહિત પાંચ જેટલા ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેદાન સમથળ કરવાની પણ કામગીરી હાથ ધરાશે. મેળા દરમિયાન વરસાદ આવે તો તેવી સ્થિતિમાં પાણીનો નિકાલ તાત્કાલિક થઈ જાય તે મુજબનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાઈડ્સ સંચાલકોએ પણ હવે તૈયારીમાં લાગી ગયા છે. આમ રાઈડ્સ સાથે મેળાને મંજૂરી મળતા હવે મેળાની રોનક જામશે.