રોહિણી નક્ષત્રમાં આજે રાત્રે 9.07 સુધી કામિકા એકાદશી

અષાઢ વદ અગિયારસને સોમવારેનાં દિવસે કામિકા એકાદશી છે. સોમવારે રોહિણી નક્ષત્ર રાત્રિના 9.07 કલાક સુધી છે. જે વ્રત પૂજાપાઠ માટે ઉત્તમ ગણવામાં આવે છે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, પદ્મ પુરાણમાં જણાવ્યા પ્રમાણે, કામિકા એકાદશી પાપોનો નાશ કરનારી, મોક્ષ આપના૨ તથા જીવનમાં શાંતિ આપનાર ગણાય છે.

આ દિવસે સવારે વહેલા ઊઠી નિત્યકર્મ કરવું ત્યાર બાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી સાથે બાલકૃષ્ણ પણ રાખી શકાય, દીવો, અગરબત્તી કરી પૂજા કરવી છબીને ચંદન ચોખાનો ચાંદલો કરી અબીલ ગુલાલ કંકુ પધરાવા.

ત્યારબાદ ઘરમાં શાલિગ્રામ હોય તો તેના ઉપર તુલસી દલ ચડાવી સાથે પૂજા કરવી, વિષ્ણુ સહસ્રનામ પણ બોલી શકાય છે. દરેક એકાદશીના અલગ અલગ નૈવેદ્ય હોય છે તેમાં કામિકા એકાદશીના દિવસે નૈવેદ્યમાં ભગવાનને સાકરવાળું ગાયનું દૂધ ખાસ ધરાવવાનું મહત્ત્વ છે.

પૂજન પૂર્ણ થયા પછી કથા વાંચવી અથવા સાંભળવી અને બપોરે નિદ્રાનો ત્યાગ કરવો. રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજના સમયે વિષ્ણુ ભગવાન પાસે દીપદાન કરી શકાય છે. આમ કામિકા એકાદશીના દિવસે ઉપવાસ રહેવાથી જીવનમાં શાંતિ મળે છે અને કામ, ક્રોધ, લોભ, મોહનો નાશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *