રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયા સામે 70 લાખ રૂપિયાની કિંમતના 44 પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી, અધિકારીઓના ખોટા સહી-સિક્કા કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને 31 આસામીઓને ગેરકાયદેસર રીતે પ્લોટ વેચી દીધા હતા. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ભારતીય દંડ સહિત 1860ની કલમ 467, 468, 471, તથા લાંચ રુશવત નિવારણ ધારો 2018ની કલમ 7(એ), 13(1)(એ), 13(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્તમાન તલાટી મંત્રી ભાવેશભાઈ અમૃતલાલ ઉદેશી (ઉંમર 48) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેમના પૂર્વે ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલીયા તા.16/01/2021થી તા.31/07/2024 સુધી ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજના સમયગાળા દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે તલાટી કમ મંત્રી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો. તેમણે બનાવટી હુકમો તથા સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકારી-ગોંડલ તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની સહીઓ પોતાની જાતે કરી હતી. આ કિંમતી સરકારી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી, તેમણે 31 આસામીઓને દસ્તાવેજો આપી પોતાના નિયંત્રણમાં રહેલી મિલકતને અપ્રમાણિકતાથી અને ગેરવ્યાજબી રીતે વેચી દીધી.