રાજકોટ સેન્ટ્રલ જેલ પાછળ માઉન્ટેન પોલીસ લાઈન પાસે નવા બનતા આરએમસી આવાસના બિલ્ડિંગની બાંધકામની સાઇટ પર માલ-સામાન ભરેલી ટ્રોલી નીચે કામ કરી રહેલી મહિલાની માથે પટકાતાં તેનું મોત નીપજ્યું છે.
માઉન્ટેન પોલીસ લાઈન જેલની પાછળ નવા 10 માળના બિલ્ડિંગમાં રહેતા અને ત્યાં જ કામ કરતા રચનાબેન છગનલાલ શિંગાળા (ઉં.વ.30) નામના મહિલા બાંધકામની સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યારે લિફ્ટ દ્વારા ધસી આવેલી માલ-સામાન ભરેલી ટ્રોલી નીચે શ્રમિક મહિલા પર પટકાતાં માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
માઉન્ટેન લાઈન જેલની પાછળ આવાસની બિલ્ડિંગ નિર્માણ પામી રહી છે. જેના કોન્ટ્રાક્ટર વિનુભાઈ ગોરધનભાઈ સોસાની છે. સાઇટ પર લિફ્ટની નીચે કામ કરતી વેળાએ ઉપરથી માલ ભરેલી ટ્રોલી લિફ્ટ દ્વારા એકાએક નીચે ધસી આવતા નીચે કામ કરતા શ્રમિક મહિલાની માથે પટકાઇ હતી. માથામાં ગંભીર ઇજાઓ થતા લોહી નીકળવા લાગ્યું હતું. નજીકમાં જ કામ કરતા ત્રણેય પુત્ર અને પુત્રવધૂઓ દેકારો કરતા ત્યાં દોડી ગયા હતા. સાથે અન્ય મજૂરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતક મહિલા મૂળ એમપીના વતની છે. પેટિયું રળવા રાજકોટ આવ્યા હતા. લિફ્ટ કોની બેદરકારીથી નીચે ધસી આવી એ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સેફ્ટી સાધનો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.