રાજકોટનું ગૌરવ દેવયાનીબા ઝાલા દોડક્ષેત્રમાં જર્મની ખાતેની સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

રાજકોટમાં રહેતા એક ક્ષત્રિય પરિવારના દીકરી દેવયાનીબા મહેન્દ્રસિંહ ઝાલા આજ એક એવું નામ છે, જે માત્ર સમાજ કે શહેરને જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવાન્વિત કરે છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે રાજકોટના આ દીકરી આગામી તા.16થી 27 જુલાઈ સુધી યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ માટે દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ હરીફાઈમાં વિશ્વના અલગ અલગ 97 દેશના પ્રતિસ્પર્ધીઓ ભાગ લેશે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતી ભારતની અનેક દીકરીઓ માટે દેવયાનીબા ઝાલા એક પ્રેરણારૂપ છે. તેમનું રમતગમત ક્ષેત્રે યોગદાન ખૂબ જ અદ્ભુત છે.

રાજકોટમાં રહેતા જ્યોતિબા અને મહેન્દ્રસિંહ ઝાલાના ઘરે વર્ષ 2002માં દેવયાનીબાનો જન્મ થયો હતો. નાનપણથી જ દેવયાનીબાને રમતગમતમાં રુચિ હતી. પિતા સાથે દેવયાનીબા રેસકોર્સ મેદાન ખાતે ક્રિકેટ રમવા માટે જતા ત્યારથી જ ત્યાં અન્ય બાળકોને રમતની તાલીમ આપતા કોચની નાનકડી દેવયાની પર નજર ગઈ હતી. બાળપણમાં જ નાનકડી દેવયાનીનો દોડ પ્રત્યે જોશ અને જુસ્સો જોયા બાદ કોચ પણ અચંબિત થઈ ઉઠ્યા હતા. આગળ જતાં એ જ દેવયાનીબાએ તેમણે દોડમાં મેળવેલી પ્રથમ સિદ્ધિ તેમના આ કોચને સમર્પિત કરી હતી.

વર્ષ 2012માં જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં 100 અને 200 મીટર સ્પર્ધામાં દેવયાનીબાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત તેણીએ રાજ્યકક્ષાએ પણ 100 અને 200 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ દેવયાનીબાએ દરેક સ્પર્ધામાં અવિરત વિજયયાત્રા હાંસલ કરી છે. સતત 5 વર્ષ સુધી રાજ્યકક્ષાની 100 અને 200 મીટર અને રીલે સ્પર્ધામાં હંમેશા પ્રથમ સ્થાન ક્રમ જાળવી રાખી દેવયાનીબાએ ગુજરાત રાજ્યને દોડક્ષેત્રે અવિરત જીત હાંસલ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *