શહેરના જીવરાજપાર્કમાં રહેતી પરિણીતા પતિ સહિતના સાસરિયાંના ત્રાસથી કંટાળી પોલીસનું શરણું લીધું હતું. નશો કરવાની ટેવ ધરાવતો પતિ ત્રાસ આપતો અને પતિ સહિતના સાસરિયાંના ત્રાસથી કંટાળી પોતે પિયર રહેવા આવી ગઇ હતી, તો પતિ ત્યાંથી પોતાના છ વર્ષના પુત્રને ઉઠાવી ગયો હતો.
જીવરાજપાર્કમાં રહેતી ક્રિષ્ના મકવાણા (ઉ.વ.34)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રહેતા પતિ જીજ્ઞેશ હરજી મકવાણા, સસરા હરજી ગોવા મકવાણા અને સવિતા હરજી મકવાણાના નામ આપ્યા હતા. ક્રિષ્નાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2014માં જીજ્ઞેશ સાથે થયા હતા. જીજ્ઞેશ જેટકોમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે.જામનગરથી રાજકોટ જીજ્ઞેશની બદલી થતાં રાજકોટ આવ્યા હતા ત્યાર બાદ પતિ દારૂ પીવા લાગ્યો હતો અને દારૂ પી અનેક વખત ઘરે આવતો નહીં અને રાત્રે મોડેથી આવે ત્યારે ધમાલ કરતો હતો.
ચારિત્ર પર શંકા કરતો, સાસુ સસરાને પતિની કુટેવ બાબતે કહે ત્યારે તે પણ ક્રિષ્નાનો સાથ આપવાને બદલે તેને મેણાંટોણાં મારતા હતા. પતિને દારૂ પીવા ઉપરાંત જુગાર રમવાની ટેવ હતી અને તે કારણે અનેક વખત ક્રિષ્નાના ઘરેણાં ગીરવે મુક્યા હતા. દારૂ પીવાની કુટેવથી પતિને આંખે જોવામાં પણ તકલીફ થઇ હતી. પતિ ગોવા ઐયાશી કરવા માટે જતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. પતિ સહિતના સાસરિયાંના ત્રાસથી કંટાળી ક્રિષ્ના પિયર રાજકોટમાં તેના છ વર્ષના પુત્ર હેરીથ સાથે રહેતી હતી, પતિ પુત્રને મળવા આવતો હતો, અને મળીને જતો રહેતો હતો. ગત તા.20 એપ્રિલના જીજ્ઞેેશ રાજકોટ પુત્રને મળવા આવ્યો હતો અને બહાર આંટો મારવા જવાના બહાને લઇ જઇ અમરેલી જતો રહ્યો હતો અને બાળકને પરત સોંપ્યો નહોતો.