જસદણ શહેરને પીવા માટે અને તાલુકાના કેટલાક ગામોને રવીપાક માટે પાણી પુરું પાડતા આલણસાગર તળાવમાં પ્રજાના પરસેવાના વેરારૂપે ભરાતા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સામાન્ય વરસાદમાં માટીના પાળાનું ધોવાણ થયું છે અને તેની ઉપર ખાડા તો પડ્યા જ છે, આ ઉપરાંત મસમોટા બાવળો અને આંકડા ઊગી નીકળ્યા છે.
આવી સમસ્યા તરફ તંત્ર ધ્યાન આપે તો તળાવના પાળાની મજબૂતાઈ ટકી શકે એમ બાખલવડના ગ્રામ્યજનોએ જણાવ્યું હતું. આ તળાવમાં તાજેતરમાં જ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પણ જોતાં એવું લાગે છે કે જવાબદાર તંત્રએ કોઈ ધ્યાન જ ન આપ્યું હોય એવો ઘાટ ઘડાયો છે. ત્યારે પ્રજા વત્સલ રાજવી આલાખાચરબાપુ એ પ્રજા માટે જે ભાવથી તળાવનું નિર્માણ કર્યું છે એ ભાવથી તળાવનું સંચાલન સરકારી તંત્ર કરે એવી માંગ ગ્રામ્યજનોએ ઉઠાવી છે.