રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પદાધિકારીઓ તથા વોર્ડના કોર્પોરેટરની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજૂઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટિંગ યોજવાનું નક્કી કરાયું હતું જે મુજબ સોમવારે ઇસ્ટ ઝોનની બેઠક યોજ્યા બાદ મંગળવારે વેસ્ટ ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં એક ડેપ્યુટી ઇજનેરને ચાર-ચાર વખત ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા ન હોય તે મુદ્દે ચેતન સુરેજાએ જાહેરમાં તેનો ઊધડો લીધો હતો.
વેસ્ટ ઝોન કચેરીના હોલમાં વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12માં વિકાસ કામો, ખાડાનું કામ તથા પેન્ડિંગ પ્રોજેક્ટની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી જેમાં આ વોર્ડના નગરસેવકો અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વોર્ડ નં.10ના નગરસેવક અને ટી.પી.સમિતિના ચેરમેન ચેતન સુરેજાએ તેમના મત વિસ્તાર અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ વોર્ડ નં.11માં આવતા એવરેસ્ટ પાર્કમાં પીવાનું પાણી ડહોળું આવતું હોય નવી નખાયેલી ડીઆઇ પાઇપલાઇનમાં કનેક્શન આપવા મુદ્દે ડેપ્યુટી ઇજનેરને ચાર વખત ફોન કર્યા હતા છતાં તેઓ પ્રજાના કામ માટે પણ ફોન ઉપાડતા ન હોય જાહેરમાં ઊધડો લીધો હતો અને સિટી એન્જિનિયરને પણ ‘તમે કેમ કઇ સૂચના આપતા નથી હું કામ માટે ફોન કરું છું જોક્સ કરવા નહીં’ તેમ પરખાવી દીધું હતું. આ બેઠકમાં ખાડા મુદ્દે કામગીરી કરવા તાકીદ કરાઇ હતી.