ભાયાવદર પંથકના જામ ટીંબડી ગામે ક્લિનિકના નામે ધીકતો ધંધો ખોલી ગ્રામ્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો હતો. કોઇ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર તે આવું કૃત્ય કરી ભોળા લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતો હોઇ પોલીસે ત્રાટકી તેના ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન્સ અને અન્ય મેડિકલ સાધનો મળી 89 હજારથી વધુનો મુદામાલ કબજે લઇ, તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સૂત્રોમાંથી પોલીસને જાણકારી મળી હતી કે ભાયાવદર વિસ્તારના જામટીંબડી ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર તેમનું કિલનીક ખોલીને લોકો સાથે આરોગ્યના નામે ચેડાં કરી રહ્યો છે.આથી પીઆઇ વી.સી.પરમાર સહિતની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને જામ ટીંબડી ગામના જૂની કન્યાશાળા પાસે રહેતા પંકજ ધીરુભાઈ બારૈયા નામના શખ્સના ક્લિનિક પર દરોડો પાડ્યો હતો અને તે કોઈપણ જાતની ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાથી પોલીસે બોગસ ડોક્ટરને દવાઓ, ઈન્જેકશન, મેડિકલ સાધનો સહિત રૂપિયા 89410 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.