રૂ. 6 હજાર આપવાની ના કહેતાં યુવક પર પ્રેમિકા સહિત 3નો હુમલો

6 હજાર આપવાની ના કહેતા પ્રેમિકા સહિત યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કોઠારિયા સોલવન્ટ સીતારામ સોસાયટી શેરી નં.6માં રહેતા જય અશ્વિનભાઈ ચૌહાણ(ઉં.વ.29) નામના યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં ધ્રુવ ગોંડલિયા, ધ્રુવના બનેવી પ્રશાંત અને શ્વેતા દીપસિંગ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી જય છેલ્લા બે મહિનાથી ગર્લફ્રેન્ડ શ્વેતા દીપસિંગ ગોહેલ સાથે મોરબી રોડ પર ભાડે રહે છે.

ગુરુવારે શ્વેતાને નંદા હોલ ખાતે મુકવા ગયો ત્યારે તેણે 6000 રૂપિયા માંગ્યા હતા. જેથી બોયફ્રેન્ડ જયએ ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં 80 ફૂટના રોડ પર આંબલિયા એગ ઝોન બિલ્ડિંગની બાજુમાં ફરિયાદી જય ઈંડાની લારીએ નાસ્તો કરતો હતો ત્યારે જય ચૌહાણએ ગર્લફ્રેન્ડ શ્વેતાના પૂર્વ બોયફ્રેન્ડ ધ્રુવ ગોંડલિયાને ઈંડાની લારીવાળાના મોબાઈલમાંથી કોલ કરી ત્યાં તેડાવ્યો હતો.

થોડીવારમાં ધ્રુવ, તેના બનેવી પ્રશાંત અને પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા એક્ટિવા પર ત્યાં આવી પહોંચ્યાં હતા. ત્યારે ધ્રુવે ગાળો ભાંડી બુઠ્ઠી છરીથી જય પર હુમલો કરી તેને સાથળ, પુંઠ અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરિયાદી જયને તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અને પ્રશાંતે પણ મારપીટ કરી અને ગાળો આપી હતી. ત્યારબાદ ત્રણેય એક્ટિવા પર બેસી ત્યાંથી નાસી છૂટયા હતા. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *