શહેરમાં બસ સ્ટેશન પાછળ આવેલી ત્રણ હોટેલમાં અનેક વખત લઇ આવી શાપરની સગીરા પર પારડીના શખ્સે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શખ્સે શારીરિક શોષણ કર્યું હતું. શાપરમાં રહેતી 18 વર્ષની યુવતીએ રાજકોટના એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પારડીના સાગર ભગવાનજી સોલંકીનું નામ આપ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા પોતે સગીરવયની હતી ત્યારે સાગર સાથે પરિચય થયો હતો અને સાગરે પ્રેમજાળમાં ફસાવી હતી, લગ્ન કરવાની લાલચ આપી સાગર રાજકોટ બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલોમાં લઇ જતો હતો અને બળજબરી કરી શરીરસંબંધ બાંધતો હતો અને અંતે લગ્ન કરવાની ના કહી દીધી હતી. પોલીસે સાગર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોલેજિયન યુવતીને તેનો ફોટો મોકલી ચેટિંગ કરી પજવણી કરી શહેરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીએ તેની પજવણી કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઢસાના હાર્દિક મકવાણાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેનો ફોટો હાર્દિકે મોકલ્યો હતો અને અલગ અલગ ચેટિંગ કરી પજવણી કરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂકરી હતી.