ગોંડલના અનિડા ભાલોડી ગામ પાસે ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જતાં અજાણ્યાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જે મામલે ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મયુરધ્વજસિંહ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ ગોંડલ તાલુકા મથકમાં એ-બીટ વિસ્તારના બીટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. તેમણે જ પીએસઓને સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતેથી ટેલીફોનથી ઘટનાની જાણ કરી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.
યુવકનું માથુ તથા કમર સુધીનો ભાગ અસ્માતમાં ભયંકર રીતે છુંદાઈ ગયો છે તેમજ યુવકની ઓળખ થાય તેવી કોઇ ચીજો મળી આવી ન હોવાથી પોલીસ માટે યુવાનની ઓળખ મેળવવી કપરી બની રહી છે. પોલીસે અકસ્માત વાળી જગ્યાએ જઇને પંચનામું કર્યું હતું.
તેમજ બનાવવાળી જગ્યાએ જઇને જોતા યુવકનું મોત વાહન અકસ્માતમાં થયું હોવાનું અને બનાવવાળી જગ્યાથી આશરે 50 મિટર દુર એક 16 વ્હિલ ટોરસ ટ્રક પડેલ હોય જે ટ્રકમાં તપાસ કરતાં ડ્રાઇવર સાઇડમાં આગળના તથા પાછળના ટાયરમાં લોહીના ડાઘાઓ જોવામાં આવ્યા હતા, જેથી ટ્રકની હડફેટે જ મોત થયાનું સામે આવ્યું હતું.