શહેર પોલીસે બુધવારે 60 ટીમ બનાવી અનેક સ્થળે દરોડા પાડ્યા હતા અને 24 કલાકમાં ગાંજો અને અફીણ સહિતના માદક પદાર્થ સાથે સાત શખ્સને ઝડપી દીધા હતા. ઘનશ્યામનગરનો ઇસમ તો જેલમાંથી છૂટ્યા બાદ બે ખેપ મારી ચૂક્યો હતો ત્રીજી ખેપમાં 10 કિલો ગાંજા સાથે પકડાયો હતો.
કોઠારિયા રોડ પરના ઘનશ્યામનગરમાં રહેતો રાહિલ અમીન મીનપરા (ઉ.વ.22) માદક પદાર્થના જથ્થા સાથે રાજકોટ આવી રહ્યાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે રાજકોટ ભાવનગર હાઇવે પર વોચ ગોઠવી હતી અને કાળીપાટ ગામ રિંગ રોડ ચોક પાસેથી રાહિલને આંતરી લીધો હતો. પોલીસે તલાશી લેતા રાહિલના કબજામાંથી રૂ.1 લાખની કિંમતનો 10 કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહિલ અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ગાંજા સાથે ઝડપાયો હતો અને ડિસેમ્બર મહિનામાં જ જેલમાંથી છૂટ્યો હતો, જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તે ગાંજાની બે ખેપ મારી ચૂક્યો હતો અને તેનું વેચાણ પણ કરી નાખ્યું હતું. આ વખતે ત્રીજી ખેપ મારી હતી, સુરતથી ગાંજો લઇને આવ્યો હતો, પરંતુ ઘરે પહોંચે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.