બે સંતાનો સાથે કાઢી મૂકતા મહિલાનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં રેલનગરમાં રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને સાસુ સહિતના કામ બાબતે હેરાન કરી ત્રાસ આપતા હોય તેમજ બે સંતાન સાથે સાસુએ ઘરમાંથી બહાર કાઢી મૂકતા પરિણીતાએ કંટાળી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પ્ર.નગર પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ સહિતના સાસરિયાંઓ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

રેલનગરમાં સુભાષચન્દ્ર ટાઉનશિપમાં રહેતા દીપ્તિબેન વિજયભાઇ વઢવાણા (ઉ.35) તેના ઘર પાસે હતા ત્યારે ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ ગમારા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં દીપ્તિબેનના લગ્ન આઠેક વર્ષથી થયા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે.

પોલીસની વધુ પૂછતાછમાં પરિણીતાના સાસુ અવારનવાર ઘરકામ બાબતે ઝઘડાઓ કરી હેરાન કરતાં હોય તેમજ મારા દિયર અને સસરા મેણાં મારી ત્રાસ આપતા હોય તેમજ મારા પતિ વિજયને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય મારી સાથે મારકૂટ કરતા હતા. દરમિયાન તા.30-5ના રોજ તેના ઘેર કામ કરતાં હોય તે દરમિયાન સાસુએ કામ બાબતે ઝઘડો કર્યો હતો અને સસરા સહિતે પરિણીતાને બે સંતાન સાથે ઘરમાંથી કાઢી મૂકયા હતા.

દરમિયાન દીપ્તિબેને ઘર પાસેથી તેના પતિ વિજયને ફોન કરી તમારી માતાએ અમને સંતાનો સહિત ઘરમાંથી કાઢી મૂકયા હોવાની વાત કરી હતી. જેથી પતિએ કહ્યું કે, તું જ ખોટી છો મારા માતા આવું ન કરે તેમ કહી ઝઘડો કરતાં લાગી આવતા તેને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા પોલીસે દીપ્તિબેનની ફરિયાદ પરથી પતિ વિજય, સસરા ધનસુખ, સાસુ પ્રભાબેન અને દિયર મયૂર સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *