42 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પતિ અને 22 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી સાથે છેલ્લા 2 વર્ષથી કોઠારીયા મેઇન રોડ પર રહે છે તેમની સગીર વયની પુત્રી સોલવંટ ફાટક પાસે આવેલ એક કારખાનામાં મજુરી કામ કરવા માટે જતી હતી. ગત તા.24ના સવારના 9 વાગ્યે સગીર દીકરી સાથે તેઓ કારખાને મજુરી કામ માટે ગયા હતા. બપોરના 3 વાગ્યે પુત્રીએ કારખાનાની સામે આવેલ દુકાને સોડા લેવા માટે જવું છે તમારી પીવી છે પૂછતાં મારે નથી પીવી તું તારા માટે લેતી આવ કહેતા તે ગઈ હતી, જે બાદ પુત્રીને આવતા થોડીવાર વાર લાગતા તેને શોધવા નીચે ઉતરી જોયું અને દીકરીની તપાસ કરી હતી પણ તે કયાંય જોવા મળી ન હતી. બાદમાં આજુબાજુ તથા સગાસંબંધીમાં તપાસ કરતા કોઇ ભાળ મળેલ ન હતી. દીકરી પાસે રોકડા રૂપિયા 700 હતા જેથી કોઇ અજાણ્યો શખ્સ દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી નાસી છુટતા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગેની ફરિયાદ પરથી આજી ડેમ પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
અન્ય બવાનમાં આગામી તા. 7.6.2025નાં રોજ બકરી ઇદનો તહેવાર છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહશાંતીનો ભંગ થવાનો સંભવ રહે છે. આવી પરિસ્થિતીને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેટલાક પ્રતિબંધ મુકવા આવેલ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા નહીં, તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી. તેમજ બકરી ઇદ તહેવાર નિમિત્તે કુરબાની પછી પશુઓના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહી. જેમની અમલવારીનો તા. 5.6.2025 થી તા. 8.6.2025 સુધી કરવાની રહેશે. જે જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.