રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે ચાર નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધાની ઘટના બાદ મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા ખોરવાઇ ગઇ છે અને તેના પરિણામે સિટી બસ અને બીઆરટીએસ રૂટ પર દોડતી કુલ 224 બસમાંથી હાલ માત્ર 80 બસ જ ચાલુ હોય દરરોજના એવરેજ 35થી 40 હજાર મુસાફરો બસ સુવિધા વગર રઝળી રહ્યા છે અને મજબૂરીવશ રિક્ષા અને અન્ય ખાનગી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી લૂંટાઇ રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી સિનિયર સિટિઝનોને પડી રહી છે. હાલની સ્થિતિ જોતા હજુ પણ ટૂંકાગાળામાં આ સેવા શરૂ થાય તેવા કોઇ અણસાર જણાતા નથી અને મનપાના પદાધિકારીઓ આ સેવા શરૂ કરવા કોઇ પ્રયાસ કરતાં ન હોય તે મુદ્દે પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે.
રાજકોટ રાજપથ લિ.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર જંક્શન વિસ્તારમાં મોટી ઉંમરના સિટી બસના ચાલકને હાર્ટએટેકની ઘટના બાદ 60 વર્ષથી વધુ વયના વ્યક્તિને સિટી બસમાં ડ્રાઇવર તરીકે રાખવા નહીં તેવો નિર્ણય લેવાયો હતો. જેના કારણે અનેક મોટી ઉંમરના બસચાલકોને છૂટા કરી દેવાયા હતા. ત્યારબાદ ઇન્દિરા સર્કલ નજીક એક્સિડેન્ટમાં ચાર નિર્દોષ વ્યક્તિનાં મોત નીપજતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી અને તેમાં બસના ચાલક તરીકે 25થી 60 વર્ષ વય મર્યાદા નક્કી કરાતા નાની ઉંમરના પણ અનેક બસચાલકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ નવી એસઓપીમાં બસચાલકને વધુમાં વધુ આઠ કલાકની નોકરીનો નિયમ અમલમાં મુકાતા અનેક ડ્રાઇવરો આવક ઘટતા નોકરી મૂકી દીધી હતી.