મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળા અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા 20 આઈસ ફેક્ટરી, પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા બાદ 3 સેમ્પલમાં ઇન્ટરમીડિએટ અને 17 સેમ્પલમાં અનસેટિસફેક્ટરી પરિણામો આવતા તમામને જગ વિતરણ બંધ કરી દેવા આદેશ કરાયો છે.
MPN કાઉન્ટમાં કોલિફોર્મ કાઉન્ટ/100 ML પ્રમાણે 0(શૂન્ય) એટલે એક્સેલન્ટ, 1થી 3ને સેટિસફેક્ટરી, 4થી 9 ને ઈન્ટરમીડિએટ અને 10 કે તેથી વધુને અનસેટિસફેક્ટરી ગણવામાં આવે છે. અનસેટિસફેક્ટરી આવેલા પરિણામોવાળું પાણી કોલિફોમ ઓર્ગેનિક કહેવાય એટલે કે તેનાથી ઝાડા-ઊલટી થવાની પૂરતી સંભાવના છે અને તેનાથી આંતરડામાં રહેતા બેક્ટેરિયા વધુ વકરે છે. તેમજ અમુક સેમ્પલો બેસીલાઇવ બેક્ટેરિયા હોય છે જેનાથી ટાઇફોઇડ જેવી બીમારી વકરે છે. આ જગનું પાણી પીનાર વ્યક્તિને પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરતી સંભાવના છે.
પાણીનો વેપલો કરતી એજન્સી કે પેઢીમાં મનપાના આરોગ્ય તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે જો પાણીના સેમ્પલ ફેલ જાય તો આરોગ્ય વિભાગને જીપીએમસી એક્ટની જોગવાઇ મુજબ સાત દિવસ ફેક્ટરી સીલ કરી દેવાની સત્તા છે અને તે દરમિયાન જે પેઢીના સેમ્પલ નાપાસ થયા હોય તેને પીવાલાયક પાણી વિતરણ કરવા નોટિસ આપવામાં આવે છે અને પાણીના ફરીથી પોતાના ખર્ચે રૂડાની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવી પાણી બેક્ટેરિયા રહિત છે તેવો રિપોર્ટ આપ્યા બાદ પાણીના જગ વિતરણ કરવાની ફરીથી મંજૂરી આપવામાં આવે છે.