રાજકોટ માર્કેટ યાર્ડમાંથી ઢોલરિયાબંધુએ 145 કમિશન એજન્ટ પાસેથી જીરું ખરીદ્યા બાદ રૂ.17 કરોડથી વધુ રકમનો ધુંબો મારી દેતાં વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.ચીટર બંધુ પકડાઇ ગયા બાદ પણ વેપારીઓની સોમવારે હડતાળ ચાલુ રહી હતી અને હજુ પણ વેપારીઓ હરાજી શરૂ કરવાના મૂડમાં ન હોય મંગળવારે સાતમા દિવસે પણ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરાઇ છે.
હડતાળ સમેટી લેવા આજે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા વેપારીઓને સમજાવશે તેમ જાણવા મળે છે. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, વેપારીઓ છેલ્લા એક સપ્તાહથી હડતાળ પર ઉતરેલા છે, પરંતુ હવે બન્ને ચીટરો પકડાઇ ગયા છે અને ડીસીબીનો સંપર્ક કરતા તેઓ મંગળવારે માલ કબજે કરવા ઊંઝા ટીમ જવાની છે ત્યારે હવે હડતાળ ચાલુ રાખવાથી કોઇ ફાયદો થશે નહીં. પોલીસ તેનું કામ કરી રહી છે ત્યારે વેપારીઓએ પણ હવે હડતાળ સમેટી હરાજી શરૂ કરી દેવી જોઇએ. આ માટે મંગળવારે તમામ કમિશન એજન્ટો સાથે બેઠક રાખી છે. જેમાં મામલો થાળે પાડવા પ્રયાસ કરાશે અને ત્યારબાદ ખેડૂતોને તેમની જણસો વેચવા યાર્ડમાં આવવા માટે જાણ કરાશે.