સૌરાષ્ટ્રની 400 ખાનગી સ્કૂલોનું ફી નિર્ધારણ અટક્યું

રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામું આપી દીધું હતું. જે બાદ છેલ્લા 3 માસથી ચેરમેનની નિમણૂક ન થતા સૌરાષ્ટ્રની 5000માંથી 400 જેટલી ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું છે. એક મહિના બાદ સ્કૂલોમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થશે અને ત્યાં સુધીમાં જો તે સ્કૂલોની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા માંગવામાં આવતી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે. જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર તાત્કાલિક ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણૂકની માગ ઉઠી છે. વાલી મંડળ અને NSUI દ્વારા આ મામલે ધરણા અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિદ્યાર્થી અને વાલીઓને લૂંટાવું પડશે પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનની FRC કમિટીમાં છેલ્લા ત્રણ મહિનાથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે, પરંતુ આ કમિટી અને ખાનગી સ્કૂલ સંચાલકોની મીલીભગત હોવાથી હજુ સુધી આ નિમણૂક કરવામાં આવી નથી. જેથી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ લૂંટાવવું પડશે.

વધુમાં જણાવ્યું હતું કે, ફી નક્કી કરવામાં આવતા ખાનગી સ્કૂલોને બેફામ ફી ઉઘરાવવાનો પરવાનો મળી જશે. જેથી સરકારને વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ફી નક્કી કરી સ્કૂલોને આદેશ આપી દેવો જોઈએ કે તેનાથી વધારે ફી ઉઘરાવવામાં ન આવે. અન્યથા આગામી દિવસોમાં NSUI દ્વારા ખાનગી સ્કૂલો અને FRCની કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *