નાનામવા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા છોડી દેવાનું કહેતા તે વાતનો ખાર રાખી પતિએ ગાળો ભાંડી પાઇપના ઘા ઝીંકયા હતા, પતિએ કરેલા હુમલામાં મહિલાના હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી. હુમલામાં ઘવાયેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
નાનામવા રોડ પરના દાસીજીવણપરામાં રહેતા ગીતાબેન વેગડાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ પ્રવીણ નાનજી વેગડાનું નામ આપ્યું હતું. ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેના લગ્ન થયા હતા, પતિ સાથે મનમેળ નહીં થતાં છૂટાછેડા થઇ ગયા હતા, બાદ પ્રવીણ વેગડા સાથે છ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન સંતાનસુખ પ્રાપ્ત થયું નથી. પતિ પ્રવીણ વેગડાને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય ગીતાબેને અગાઉ તેને પરસ્ત્રી સાથે સંબંધ તોડી નાખવા કહ્યું હતું.
શનિવારે સાંજે ગીતાબેન પોતાના ઘરે હતા ત્યારે પતિ પ્રવીણ કામ પરથી ઘરે આવ્યા હતા અને પત્નીએ અન્ય સ્ત્રી સાથેના સંબંધ તોડવાનું કહ્યું હોય તે બાબતનો ખાર રાખી પત્નીને ગાળો ભાંડવા લાગ્યા હતા, અને લોખંડનો પાઇપ ઉઠાવી પાઇપના ઘા ઝીંકી દીધા હતા. પતિના હુમલાથી બચવા ગીતાબેન દોડીને બહાર નીકળી ગયા હતા, ઘટનાની જાણ ગીતાબેને તેના ભાઇને કરતાં તેમણે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, ગીતાબેનને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા હોવાનું તબીબોએ કહ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.