રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જીયાણામાં વાડીમાં ખેતમજૂરી કરતાં પ્રૌઢાને કુહાડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જ્યારે તેના પતિને ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દંપતી અને તેના પરિચિત યુવકે સાથે દારૂનો નશો કર્યા બાદ પ્રૌઢા સાથે શરીરસંબંધ બાંધવાના મુદ્દે માથાકૂટ થતાં યુવકે પ્રૌઢાને તેના પતિની નજર સામે મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અગલગોટાના માંફીધાર ફળિયાના વતની અને છેલ્લા એક વર્ષથી જીયાણામાં મનસુખભાઇની વાડી વાવતા લખડિયા માંગલિયા પછાયા (ઉ.વ.60)એ હત્યાની ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. લખડિયા પછાયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, તા.5ની રાત્રીના નવેક વાગ્યે પોતે તથા તેની પત્ની જમકુબેન (ઉ.વ.55), વાડીએ પતરાંવાળી ઓરડીમાં સૂતા હતા ત્યારે કોઇ અજાણ્યો શખ્સ ઓરડીમાં ધસી આવ્યો હતો અને લખડિયા પર ધારિયાથી હુમલો કર્યો હતો. હુમલો થતાં પોતે લોહીલુહાણ થઇ ગયો હતો અને જીવ બચાવી ભાગવા જતાં દીવાલ સાથે અથડાયો હતો. પોતે ભાગતો હતો ત્યારે તેની પત્ની જમકુબેન ‘મને ન મારો’ તેવી બૂમો પાડતી હતી. લખડિયા પછાયા જીવ બચાવીને નજીકમાં આવેલી વાડીએ પહોંચ્યો હતો અને ત્યાંથી ફોન કરતાં તેના શેઠ મનસુખભાઇ સહિતના આવી ગયા હતા. વાડીએ પહોંચતા જ પત્ની જમકુબેન મૃત હાલતમાં મળી આવી હતી અને ઓરડીમાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ આઇ.એન. સાવલિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.