રાજકોટમાં આજે જિલ્લા પેન્શનર અને સિનિયર સીટીઝન સમાજનું અધિવેશન યોજાયું હતું જેમાં 102 વર્ષના PWD ના નિવૃત્ત અધિકારી અને 99 વર્ષના પેન્શનર દાદીમાએ સૌનું ઘ્યાન ખેંચ્યું હતુ. 102 વર્ષનાં પુનાભાઈ અમેઠિયાને લઈને તેમના 74 વર્ષના પુત્ર હરિભાઈ અમેઠિયા કે જેઓ સેલટેકસમાં વર્ગ 2 ના અધિકારી હતા. તેમણે કહ્યુ કે, હું અને મારા પિતા સાદાઈથી જીવન જીવીએ છીએ. ઘરમાં એર કન્ડિશન, વોશિંગ મશીન કે ટેલિવિઝન પણ નથી. રસોઈ સહિતનું ઘરનું કામ પણ ખુદ જ કરે છે. જેથી બન્ને પિતા – પુત્ર લાકડીના સહારાની પણ જરૂરિયાત નથી. જયારે આ અધિવેશનમાં લાકડીના સહારે આવેલા 79 વર્ષના હર્ષદભાઈ ભટ્ટ કે જેઓ સરકારી શાળાના નિવૃત્ત આચાર્ય છે અને તેમને કેન્દ્ર સરકારની માફક ગુજરાત સરકાર પણ મેડિકલ અલાઉન્સમાં વધારો કરે તેવી માંગ કરી હતી. દરમિયાન પ્રમુખ હારિતસિંહ જાડેજાએ કેન્દ્ર સરકાર દ્વારા 2 ટકા મોંઘવારી જાહેર કરવામાં આવી છે તે રાજ્ય સરકાર તાત્કાલિક જાહેર કરે તે સહિતના પ્રશ્નો સંતોષવામાં આવે તેવી માંગણી કરી હતી.
રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સીટીઝન સમાજના નવા પ્રમુખ હારિતસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, મારી પહેલાની ટીમ રાજકોટ તાલુકાના પ્રમુખોનું ગૌરવ અને સન્માન ન જાળવી શક્યા તેને લીધે આજે વિદ્રોહની પરિસ્થિતિ થઈ અને ટીમ બદલાઇ છે. સંસ્થા બંધારણ મુજબ ચાલે તેવું હું સ્પષ્ટ માનું છું. હવે પેન્શનર સમાજના પ્રશ્નોની વાત કરીએ તો 30મી જૂનના નિવૃત થયેલા કર્મચારીઓને નેશનલ ઇજાફાનો લાભ મળતો નથી, 1984 થી 1987ના સમયગાળામાં રૂ.325 ના ફિક્સ પગારમાં ભરતી થયેલા શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવામાં આવે, પેન્શનરોને વિનંતી છે કે ટ્રેજરરી ઓફિસમાં જ્યારે આ વખતે તમારું સ્ટેટમેન્ટ લેવા જાઓ ત્યારે આધાર કાર્ડ, PPO અને બેન્ક એકાઉન્ટ નંબર સાથે લઈને જાય. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આધારકાર્ડને પેન્શન પીપીઓ સાથે જોડવા માંગે છે અને પોસ્ટ ઓફિસ દ્વારા દરેક વ્યક્તિના ઘરે જઈ તેની હયાતીની ખરાઈ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા 2 ટકા મોંઘવારી જાહેર કરવામાં આવી છે તે રાજ્ય સરકાર તાત્કાલિક જાહેર કરે, પેન્શનરોની વિધવા, ત્યકતા કે અપરણિત દીકરીઓ છે તેમને કેન્દ્ર સરકારની માફક પેન્શન મળે તેવી ગુજરાત સરકાર સમક્ષ માંગણી છે.