સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની પડધરી સરકારી કોલેજમાં નવા વર્ષથી અંગ્રેજી કે ઇતિહાસ વિષય બંધ કરવામાં આવી રહ્યા છે. અહીં આર્ટ્સમાં મેજેર સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવતા અંગ્રેજી અને ઇતિહાસના વિષયને વર્ષ 2025-26થી બંધ કરી દેવાનું જાહેર થયું છે. જેમાં ઇતિહાસ વિષયમાં કોઈ અધ્યાપક ન હોવાથી અને અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી હોવાનું કારણ પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માગણી છે કે, વર્ષ 2012થી એટલે કે સ્થાપનાકાળથી BAમાં મેજર વિષય તરીકે ભણાવવામાં આવતા અંગ્રેજી અને ઇતિહાસ સબ્જેક્ટ ચાલુ રહે.
વિદ્યાર્થી BA વિથ અંગ્રેજી કે ઇતિહાસ નહીં ભણી શકે રાજકોટના પડધરી ખાતે આવેલી કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં નવા વર્ષથી કોઈ વિદ્યાર્થી BA વિથ અંગ્રેજી કે ઇતિહાસ નહીં ભણી શકે. આ કોલેજમાં ઓક્ટોબર માસ સુધી જે આચાર્ય હતા તે ઇતિહાસ વિષયના હતા, પરંતુ તેમની બદલી થતા વિષય બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે અંગ્રેજી વિષયમાં BAના ત્રણ વર્ષમાં 6 વિદ્યાર્થી જ અભ્યાસ કરતા હોવાથી આ વિષય હવે નવા વર્ષથી બંધ કરી દેવાશે. અહીં 370 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી માંડ 50 જેટલા વિદ્યાર્થીઓ જ રેગ્યુલર આવે છે.
આ ઉપરાંત આર્ટ્સમાં 5 વિષયના 10ના બદલે 5 જ શિક્ષક છે એટલે કે 50 ટકા સ્ટાફની ઘટ છે. દૈનિક લેક્ચરમાં પણ વચ્ચે બ્રેક રહી જતો હોવાથી વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે. આ ઉપરાંત અહીં જે નવા પ્રિન્સિપાલ આવ્યા છે તેમનો વિષય સાયન્સ ફેકલ્ટીનો ફિઝિક્સ છે. સરકારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકને મુકતા તેઓ પોતે એકપણ લેક્ચર લઈ શકતા નથી. જેથી સરકારના નિર્ણય સામે પણ સવાલો ઊભા થયા છે.