રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકથી જે.કે.ચોક વચ્ચેના ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના વિસ્તારમાં રહેણાકના વિસ્તારમાં કોમર્સિયલ બાંધકામો ખડકાઇ ગયાનો અને બોર્ડ તથા મહાનગરપાલિકાના ટી.પી.રોડ પર પણ દબાણ ખડકાઇ ગયાના કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે બોર્ડ એક્શન મોડમાં આવ્યું છે અને 135 જેટલા આસામીને નોટિસ આપી 10 દિવસમાં માલિકીના આધાર-પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે. જ્યારે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની પ્રાથમિક તપાસમાં 8 મીટર જેટલા રોડ પર દબાણ થઇ ગયાની ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી છે.
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના સૂત્રોએ જણાવ્યા અનુસાર યુનિવર્સિટી રોડ પર સરવે નં.318માં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા રહેણાક મકાનો બનાવવામાં આવ્યા છે અને તેમાં હવે ગેરકાયદેસર રીતે કોમર્સિયલ બાંધકામો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવી છે. આથી આ બાબતે સ્થળ ઉપર રૂબરૂ જઇ અમારા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રહેણાક વિસ્તારમાં કોમર્સિયલ પ્રવૃત્તિ કરતા 135 જેટલા આસામીને આઇડેન્ટિફાઇ કરવામાં આવ્યા હતા. આ આસામીઓને માલિકીના આધાર-પુરાવા રજૂ કરવા તાકીદ કરાઇ છે.
આ માટે ગત શુક્રવારે 135 જેટલા આસામીને નોટિસ આપવામાં આવી છે અને તમામને 10 દિવસમાં માલિકીના આધાર-પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. ત્યારબાદ આ જમીન માપણી માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં પ્રાથમિક તપાસમાં અમારી જગ્યામાં તથા મહાનગરપાલિકાના ટીપી રોડમાં 8 મીટર જેટલું દબાણ ખડકાઇ ગયાનો ઘટસ્ફોટ થયો છે. આ તમામ દબાણ નિયમાનુસાર પ્રક્રિયા કરી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે.