પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ચણા વેચવા માટે રાજકોટ જિલ્લામાં 81,889 ખેડૂત અને રાઇડો વેચવા માટે 3342 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ચણા અને રાઇડાની ખરીદી માટે સૌ પ્રથમવાર સેટેલાઇટ મારફતે સરવે કરવામાં આવ્યો હતો, પરંતુ સેટેલાઇટ ઈમેજમાં 15,770 ખેડૂતના ખેતરમાં ચણા અને 3342 ખેડૂતના ખેતરમાં રાઇડાનું વાવેતર તો દેખાયું જ નથી. આથી, જે ખેડૂતોના ખેતરમાં ચણા અને રાઇડાનું વાવેતર જોવા નથી મળ્યું તેમને ગ્રામસેવક પાસે જઇ અનેક સ્પષ્ટતાઓ કરવી પડશે અને હેરાનગતિનો સામનો કરવો પડશે.
આ રીતે અરજી કરી શકાશે , સરવે માટે ગ્રામસેવક અને સરપંચ મળી સ્થળ તપાસ કરશે જે ખેડૂતોએ ચણા અને રાઇડાનું વાવેતર કરેલું છે છતાં સેટેલાઇટ ઇમેજમાં વાવેતર જોવા નથી મળ્યું તેવા કિસ્સામાં ખેડૂતોએ અરજી કરવાની રહેશે. જે ખેડૂતોના ખેતરમાં સેટેલાઇટ ઈમેજમાં પાક નથી દેખાયો અને તેઓને કોઈ વાંધા અરજી હોય તો મેસેજ આવ્યાના ત્રણ દિવસમાં અરજી કરવાની રહેશે. ફરીથી સરવે કરવામાં ગ્રામસેવક અને સરપંચની મદદ લેવાશે. ખેડૂતોને વાંધા અરજી હોય તો આધાર-પુરાવા સાથે મેસેજ આવ્યાના ત્રણ દિવસમાં જે-તે ગામના ગ્રામસેવક અને સરપંચ મળી સ્થળ તપાસ કરશે. જે ખેતરમાં પાક ઊભો નથી તેવા કિસ્સામાં ખેતરમાં પાક અવશેષોના આધારે નોંધણી સમયે વાવેતર માટે રજૂ કરેલ પુરાવા તથા અન્ય પુરાવા, શેઢા પાડોશી ખેડૂત સાથે તલાટી અને સરપંચનું વાવેતર કરેલા હોવાના રોજકામના આધારે જો વાવેતર હોવાનું જણાય તો તેની યાદી વિસ્તરણ અધિકારી તથા મદદનીશ ખેતી નિયામક મારફતે જિલ્લા ખેતીવાડી અધિકારીને આપવાની રહેશે. જોકે આ ખેડુતો પાસેથી ચણા અને રાઇડાની ખરીદી કયારે કરવામાં આવશે તેની તારીખ હજુ જાહેર થઈ નથી. રાજકોટ જિલ્લામાં આ વખતે 1,10,182 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું અને 81 હેક્ટરમાં રાઇડાનું વાવેતર થયું હતું.