કાચી કેરી, ટીંડોરા અને પરવર સસ્તા થયા, આદુ, વટાણા, ચોળાસિંગ અને તૂરિયા મોંઘા

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે વેજિટેબલ માર્કેટમાં પણ શાકભાજીના જથ્થાબંધ ભાવમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહના ભાવની સરખામણી કરીએ તો કાચી કેરી, ટીંડોરા અને પરવર સસ્તા થયા છે તો તેની સામે આદુ, વટાણા, ચોળાસિંગ, તૂરિયા, લીંબુ મોંઘા થયા છે.

સૌથી વધુ વટાણાના ભાવ પ્રતિ મણ રૂ.600નો વધારો થયો છે. ગત 24મી માર્ચે વટાણા પ્રતિ મણનો ભાવ રૂ.600-900ના ભાવે વેપાર થયા હતા. જ્યારે મંગળવારે વટાણાના ભાવ રૂ.1300-1500 બોલાયા હતા. ચોળાસિંગનો ભાવ પણ હોલસેલમાં પ્રતિ કિલો રૂ.100ને આંબી ગયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડના છેલ્લા એક સપ્તાહના ભાવ જોઇએ તો કાચી કેરીના મણના ભાવમાં રૂ.350, ટીંડોરામાં રૂ.100 અને પરવરના ભાવમાં રૂ.200 ઘટ્યા છે, તો વટાણાના મણના ભાવમાં રૂ.600, આદુમાં રૂ.250, તૂરિયામાં રૂ.200, વાલોળમાં રૂ.100 અને લીંબુમાં રૂ.100નો વધારો થયો છે. આ ઉપરાંત લીલા લસણના ભાવમાં પણ મણે રૂ.200નો વધારો થયો છે. જોકે સલાડમાં વપરાતા ગાજર, કાકડી, બીટ, ટમેટાં, લીલીડુંગળીના ભાવમાં નજીવી વધઘટ જોવા મળી છે. આગામી 15મી એપ્રિલ બાદ શાકભાજીના ભાવમાં વધુ વધઘટ થવાની સંભાવના સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *