મંગળવારે સાંજે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને પ્ર.નગર પોલીસની ટીમ ભીલવાસ શેરી નં.2માં પહોંચી હતી, તે સાથે જ મહાનગર પાલિકાનું બુલડોઝર અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પહોંચી હતી. પીજીવીસીએલની ટીમે એ વિસ્તારનો વીજળી પ્રવાહ અટકાવી દીધો હતો. મનપાનું બુલડોઝર કુખ્યાત બૂટલેગર નજીર ઉર્ફે મુન્ના અલ્લારખા ઠાસરિયાના ઘર પાસે પહોંચ્યું હતું અને નજીરના મકાનનો કડૂસલો બોલાવી દીધો હતો.
નામચીન બૂટલેગરના ઘરનું ડિમોલિશન શરૂ કરાયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા, કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએે જણાવ્યું હતું કે, નજીર ઉર્ફે મુન્નો ઠાસરિયા દારૂના છ ગુનામાં સંડોવાયેલો હતો અને તેણે મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય તેને હટાવવામાં આવ્યું હતું, અગાઉ જંગલેશ્વરમાં ડ્રગ્સ પેડલર રમાના પતિની ગેરકાયદે મિલકત પર ત્યારબાદ ભિસ્તીવાડમાં કુખ્યાત માજીદ ઉર્ફે ભાણુના મકાનને ધરાશાયી કરવામાં આવ્યું હતું.