કેન્દ્ર સરકારના યુઆઇડીએઆઇ દ્વારા નાગરિકોને આધાર નોંધણીની સુવિધા દેશભરમાં અમલી બનેલી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમો જેવા કે પોસ્ટ ઓફિસ, બેન્ક કચેરીઓ ઉપરાંત રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધાર કેન્દ્રો કાર્યરત હોવા છતાં આધારકાર્ડની કામગીરી માટે લોકોનો ભારે ધસારો રહેતો હતો જે બાબતને ધ્યાનમાં લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી તમામ વોર્ડમાં આધાર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
જે મુજબ 1લી એપ્રિલથી શહેરના 18 વોર્ડમાં આધાર કેન્દ્ર શરૂ થઇ જતા હવે આધાર માટેની લાઇનો ભૂતકાળ બની ગઇ છે. નવા 18 આધાર કેન્દ્ર શરૂ કરાતા હવે શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના જ 21 આધાર કેન્દ્ર ધમધમતા થઇ ગયા છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ અને અમુક બેન્કોમાં પણ આધારની કિટો મૂકવામાં આવી છે અને ત્યાં દરરોજ મર્યાદિત સંખ્યામાં આધારને લગતી કામગીરી કરવામાં આવી રહી છે.
ચેરમેન જયમીન ઠાકરની યાદીમાં જણાવ્યા અનુસાર નવા શરૂ કરાયેલા આધાર કેન્દ્રમાં કામગીરીનો સમય સવારે 10.30 થી 4.00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે બપોરે 2.00થી 2.30 સુધીનો સમય રીસેસનો રહેશે. આ નવા આધાર કેન્દ્રમાં 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ માટે આધારકાર્ડ નીકળી શકશે. જ્યારે 18 વર્ષ અને તેનાથી વધુ વયના વ્યક્તિઓએ નવા આધારકાર્ડ કઢાવવા માટે લગત ઝોન ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ હોમ એનરોલમેન્ટ માટે માત્ર મધ્યસ્થ ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.