શહેરમાં તા.18-1-24ના રોજ સંત કબીર રોડ પર ડેનિશા સેલ્સ,ગણપતિ સેલ્સ અને મીતલ જ્વેલર્સ નામની દુકાનના ઉપરના ભાગે બારીની ગ્રીલ તોડી તસ્કરોએ 9.50 લાખની રોકડની ચેારી કરી ગયાની જાણ થતા પીઆઇ બારોટ સહિતે તપાસ કરતા કુવાડવા રોડ પર ક્રિસ્ટલ સિટીમાં રહેતા અને સંત કબીર રોડ પર ડેનિશ સેલ્સ નામે ઇમિટેશનની દુકાન ચલાવતા ગૌતમભાઇ અરવિંદભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, તેની દુકાનમાં લેબરોને ચૂકવવાના રૂ.ત્રણ લાખ અને તેની વાડીના હિસાબના ચાર લાખ મળી કુલ રૂ.7 લાખની રોકડ તેમજ પાડોશમાં ભેરારામભાઇની ગણપતિ સેલ્સ નામની દુકાનમાંથી એક લાખ અને ભાવેશભાઇની મીતલ જ્વેલર્સ નામની દુકાનમાંથી દોઢ લાખ મળી કુલ રૂ.9.50 લાખની રોકડની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડોડિયા સહિતની ટીમે માહિતીને આધારે મૂળ રાજસ્થાનના અને હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો નિતેશ શાંતિલાલ ખરાડી અને ગણપત ઉર્ફે ગણેશ અભિયાભાઇ મઇડાને ઉઠાવી લઇ પૂછતાછ કરતા તેને સૂત્રધાર રાજસ્થાની રામેશ્વર ઉર્ફે રમેશ નાથુ નિનામા સાથે ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.10 હજારની રોકડ કબજે કરી સૂત્રધાર રામેશ્વરને પકડી લેવા કાર્યવાહી કરી છે.