સુરેન્દ્રનગર એસઓજીએ કરેલી કાર્યવાહી

રાજ્યના ગુપ્તચર વિભાગને મળેલી માહિતીના આધારે સુરેન્દ્રનગરથી નાગાલેન્ડ સહિતના ત્રણ રાજ્યમાં ચાલતું હથિયાર લાઇસન્સ આપવાનું કારસ્તાન બહાર આવ્યું છે. હજુ 25 શખ્સ પકડાયા છે, તેમની પાસેથી 17 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે,આ કાર્યવાહી માત્ર હિમશિલાની ટોચ સમાન છે, માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં 1000 શખ્સોએ ભારતના ત્રણ રાજ્યમાંથી સંપૂર્ણપણે ગેરકાયદે હથિયાર ખોટા લાઇસન્સના આધારે ખરીદી લીધા છે. માત્ર ભાડા કરારના આધારે જ હથિયારનું લાઇસન્સ આપી દેવામાં આવતું હતું આના માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણાના એજન્ટ કામ કરતા હતા. બે વર્ષથી ચાલતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે ગુપ્તચર વિભાગને માહિતી મળ્યા બાદ અધિકારીઓને તેનાથી વાકેફ કરાયા બાદ સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. હજુ 17 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે, પરંતુ જ્યારે આ તપાસ પૂર્ણ થયાનું જાહેર કરાશે ત્યારે આંકડો 1000થી પણ વધુનો થવાની પૂરેપૂરી સંભાવના છે.

છેલ્લા બે વર્ષથી ચાલતા આ કારસ્તાનમાં ગુજસીટોકનો ગુનો નોંધાય તેવી સંભાવના છે, કારણ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર પંથકના જે શખ્સોએ લાઇસન્સ મેળવ્યા છે તે એક ચોક્કસ સમાજના છે, અને બધા એકબીજા સાથે સામાજિક રીતે જોડાયેલા છે, મોટાભાગે ખાણ ખનીજના ધંધા સાથે સંકળાયેલા તેમજ મારામારી, ખૂનની કોશિશ, ખૂન સહિતના જેના પર ચારથી વધુ ગુના છે, તેમણે લાઇસન્સ મેળવી લીધા હતા. આ આખું એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તપાસના અંતે ગુજસીટોકનો ગુનો નોંધાય તેવી પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *