તા.24, 25 માર્ચે બેન્ક હડતાલ ચાર દિવસ કામકાજ ખોરવાશે

બેન્ક ઉદ્યોગમાં પાંચ દિવસના સપ્તાહનું અમલીકરણ, ગ્રેચ્યુઇટીની લિમિટ 25 લાખ કરવી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવી, બેન્કોમાં તત્કાલ ખાલી પડેલી જગ્યાઓ ભરવી અને સરકારી બેન્કોમાં વર્કમેન ડાયરેક્ટરોની નિમણૂક કરવી સહિતની માગણીના ટેકામાં દેશભરની વિવિધ બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓ આગામી તા.24 અને 25ના રોજ હડતાલ પર જનાર છે ત્યારે આ હડતાલમાં રાજકોટની બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાશે. આગામી સપ્તાહે પડનારી હડતાલથી સતત ચાર દિવસ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઇ જશે તેવી શક્યતા છે.

ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તા.22 અને 23 શનિ-રવિવારની રજા છે અને તા.24 તથા 25મીએ હડતાલ છે. જેના કારણે ચાર દિવસ કામકાજ ખોરવાઇ જવાની શક્યતા છે. જેના કારણે લોકો અને વેપાર-ઉદ્યોગજગતને તકલીફ પડશે.

બેન્ક યુનિયનની યાદીમાં જણાવ્યું હતું કે પેન્ડિંગ પ્રશ્નો લાંબા સમયથી ચાલ્યા આવે છે. સરકાર એ ઉકેલવા આંખ આડા કાન કરે છે. જેના કારણે આ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે. વિવિધ માગણીઓ અને મુદ્દાઓના યોગ્ય નિકાલ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા 23મી માર્ચના મધરાતથી 25મી માર્ચની મધરાત સુધી બે દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *