પ્રજાને પીડતા તત્વોની યાદી 100 કલાકમાં તૈયાર કરવાની રાજ્યના પોલીસવડાએ સૂચના આપી છે, રાજકોટ પોલીસે એકથી વધુ ગુનામાં સંડોવાયેલા 8000થી વધુ ગુનેગારોમાથી હવે ફાઇનલ લિસ્ટ બનાવવાની તૈયારી શરૂ કરી છે અને આ આંક પણ 100થી વધુ થવાના નિર્દેષ મળી રહ્યા છે.
નજીવી બાબતે ઘાતક હથિયારો સાથે જાહેરમાં ધમાલ, બેફિકરાઇથી વાહનો ચલાવી નિર્દોષ લોકોની જિંદગી હણી લેવા સહિતની અન્ય અનેક ઘટનાઓમાં વધારો થતાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે રાજ્યના લોકોને કાયદો વ્યવસ્થા પર વિશ્વાસ બેસે તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, રાજ્યના મુખ્ય ચાર શહેરના પોલીસ કમિશનરને સુચના આપવામાં આવી છે કે, પ્રજાને પીડતા ગુનેગારોની યાદી 100 કલાકમાં તૈયાર કરો અને આ યાદી તૈયાર થઇ ગયા બાદ આ અસામાજીક તત્વો પર પોલીસની તવાઇ ઉતરશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સીધી નજર હેઠળ આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે, શહેર પોલીસે સૌપ્રથમ એકથી વધુ ગુનામાં સંડોવાયેલા 8 હજારથી ગુનેગારોની યાદી તૈયાર કરી છે અને હવે તેમાંથી કેટલા ગુનેગારો બે ગુનામાં, ત્રણ ગુનામાં, ચાર ગુનામાં કે તેનાથી વધુ ગુનામાં સંડોવાયા છે તે તારવવામાં આવશે અને ત્યારબાદ તેની ફાઇનલ યાદી તૈયાર થશે, રાજકોટ શહેરમાંથી 100થી વધુ આવા ગુનેગારોને તારવવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.