હત્યા, ATM ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલી બેલડી પિસ્ટલ સાથે જબ્બે

ગુનાહિત ઇતિહાસ ધરાવતાં લીંબડીના અને મહારાષ્ટ્રના શખ્સને રાજકોટ પોલીસે પિસ્ટલ સાથે ઝડપી લીધા હતા, હત્યા અને એટીએમ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ વધુ કેટલાક ગુનાને પણ અંજામ આપ્યો હતો.

અનેક ગુનામાં સંડોવાયેલા બે નામચીન શખ્સ રૈયારોડ પર હનુમાનમઢી નજીક શંકાસ્પદ હિલચાલ કરી રહ્યાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ એમ.અાર.ગોંડલિયા સહિતની ટીમ દોડી જઇ લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ ઉર્ફે સૂર્યા, ઉર્ફે સુરજ ઉર્ફે દેવો, ઉર્ફે દેવેન્દ્ર અંબારામ ઝેઝરીયા (ઉ.વ.25) અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસીંગ ગીરાસે સકંજામાં લઇ તલાશી લેતા રૂ.25 હજારની કિંમતની પિસ્ટલ મળી આવી હતી, પોલીસે પિસ્ટલ અને બે મોબાઇલ સહિત કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી.

લીંબડીમાં વર્ષ 2021માં થયેલી હત્યામાં ધર્મેશ ઝેઝરિયાની ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલાયો હતો, જ્યાંથી 2023મા વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ 2023માં બનાસકાંઠામાં મફાભાઇ પટેલની થયેલી હત્યામાં ધર્મેશની સંડોવણી ખુલી હતી અને તે હજુ તેમાં ફરાર હતો. ત્યાર બાદ ભરૂચ જિલ્લામાં અને નંદુરબારમાં બંને આરોપીએ મળી એટીએમમાંથી ચોરી કરી હતી. રાજકોટ પોલીસે રિમાન્ડની તજવીજ કરી છે. ત્યારબાદ અન્ય જિલ્લાની પોલીસ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *