જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ સૂત્રને સાર્થક કરનાર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામબાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી હતી. આ વિવાદ બાદ આજે સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર પહોંચ્યા હતા. તેઓ મંદિરના પાછલા દરવાજેથી આવી જલારામબાપા સમક્ષ રૂબરૂમાં માફી માગી રવાના થઈ ગયા હતા.
પોલીસ-બંદોબસ્ત સાથે જ્ઞાનપ્રકાશ વીરપુર પહોંચ્યા હતા વિવાદાસ્પદ સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો કારમાં સ્વામી વીરપુર જલારામબાપાના મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરના પાછળના દરવાજાથી સ્વામીએ બાપાના દર્શન કર્યા બાદ માફી માગી હતી. સ્વામીએ વડતાલ ટેમ્પલ બોર્ડના લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામબાપાના મંદિરની માફી માગી હતી.
એક વીડિયોમાં તેઓ કહે છે કે જલારામબાપાનો ઇતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. જલારામબાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા, જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે તેમને બોલાવવા માટે આવ્યા. જલા ભગતે સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારી એકમાત્ર ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે તથા જે કોઈ આવે તેને પ્રસાદ-ભોજન મળે એવી મારી ઇચ્છા-સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું કે પહેલા અમને તો જમાડો જલા ભગત, ખૂબ રાજી થયા અને બાપાએ સ્વામીને બાટી-દાળ જમાડ્યા. આપણી દાળ-બાટી અને એમાં ફેર. હવે દાળ-બાટી ફેન્સી થઈ ગઈ છે. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ રાજી થઈ કહ્યું કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારો ભંડાર અખૂટ રહેશે જાઓ. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પહેલાં આશીર્વાદ આપ્યા એ આશીર્વાદના ફળસ્વરૂપે આજ સુધી બહુ સારું કાર્ય થાય છે અને અન્નદાન મોટું અપાય છે.