માતૃ રિયાલિટી LLPના ભાગીદારો સામે રૂપિયા 50 લાખનો રેરામાં દાવો

રાજકોટના માધાપર ચોકડી પાસે માતૃ એસ્ટિલા બિલ્ડિંગ બાંધનાર બિલ્ડર સામે રહીશોએ રેરામાં ફરિયાદ નોંધાવી રૂ.50 લાખના વળતરની માગણી કરી છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના માધાપર ચોકડી પાસે સુંદરમ સિટીની નજીક રેલનગર રોડ પર આવેલા માતૃ એસ્ટિલા બિલ્ડિંગના રહેવાસીઓએ ગાંધીનગર રેરામાં કરેલી ફરિયાદમાં માતૃ રિયાલિટી એલએલપીના નામથી ચાલતી પેઢી તથા તેના ભાગીદારોના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર બિલ્ડરે માતૃ એસ્ટિલા નામનો પ્રોજેક્ટ તા.14-09-2018ના રોજ કર્યો હતો અને કુલ 96 ફ્લેટ્સ બનાવ્યા હતા. તેની પહેલાના સમયમાં જે જનરલ ખર્ચ થતો હોય તે ચૂકવવાની જવાબદારી બિલ્ડર કે પ્રમોટર માતૃ રિયાલિટી એલએલપીના નામથી ચાલતી પેઢી તથા તેના ભાગીદારોની થતી હોવા છતાં કુલ રૂ.4,43,168 ગેરકાયદેસર રીતે કમિટીના ખર્ચમાં લઇને હિસાબમાં વસૂલ લીધેલા છે. બ્રોશરમાં જણાવ્યા તથા જાહેર કરેલા મુજબ પાણીના ચારેચાર બોર એક્ટિવ કર્યા નથી. ફાયર એનઓસી રિન્યૂ કરાવેલ નથી કે રિન્યૂ કરવા રાજકોટ મહાનગરપાલિકામાં જે તે લાગુ ડિપાર્ટમેન્ટમાં અરજી પણ કરેલ નથી.

કાર્બન ડાયોક્સાઇડ ગેસના જે સિલિન્ડર રાખવામાં આવેલા છે તે પણ નોન આઇએસઆઇ સ્ટાન્ડર્ડના છે. જે તે સમયે બીયુ લેતા પહેલાં ફાયર એનઓસી લેતી વખત તેના ઉપર આઇએસઆઇ સ્ટાન્ડર્ડના સ્ટિકર લગાવી એનઓસી મેળવવામાં આવેલ છે. આ બિલ્ડિંગનો વહીવટ માતૃ રિયાલિટી એલએલપી પેઢીના ભાગીદારોએ ઓનર્સ એસોસિએશનને તા.29-09-2023ના રોજ સોંપણી કરેલ ત્યારે રૂ.13,57,989ની માતૃ એસ્ટિલા ઓનર્સ એસોસિએશનના બેન્ક ખાતામાં જમા કરાવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *